Monday, September 23, 2013

GS on Virchand Gandhi

sourced as the URL is not permanent. 
http://www.gujaratsamachar.com/index.php/vishesh/int-ane-imarat

એક સૂર્ય આકાશમાં મધ્યાહ્ને છે અને બીજો સૂર્ય વહેલી પરોઢે ક્ષિતિજેથી ડોકિયું કરવાની તૈયારી કરી રહ્યો છે!
એક બાજુ સ્વામી વિવેકાનંદની દોઢસોમી જન્મજયંતીનો આનંદોલ્લાસ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, ત્યારે એ જ સ્વામી વિવેકાનંદ સાથે વિશ્વધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિની ગૌરવગર્જના કરનાર વીરચંદ રાઘવજી ગાંધીની આગામી વર્ષે શરૃ થનારી દોઢસોમી જન્મજયંતિનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
થોડા સમય પૂર્વે ભારતના પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના પ્રધાનમંત્રી નિવાસસ્થાનમાં પૂ. શ્રી લોકેશમુનિના સાન્નિધ્યમાં તથા સાંસ્કૃતિક મંત્રી શ્રી ચંદ્રેશકુમારી કોટેચની ઉપસ્થિતિમાં યોજાયેલા પરિસંવાદમાં આ લેખકે વીરચંદ રાઘવજી ગાંધી વિશે વક્તવ્ય આપ્યું, ત્યારે ભૂતકાળની કેટલીય ઘટનાઓ ઉજાગર થઈ ગઈ હતી. આ વીરચંદ રાઘવજી ગાંધીએ ભારતીય સંસ્કૃતિની વિશ્વમાં ઘોષણા કરી, પણ એની સાથોસાથ ૧૮૯૯માં અમેરિકાના ફિલાડેલ્ફિયામાં યોજાયેલી ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ કોમર્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા. એ સમયે એમણે 'ટ્રેડ રિલેશન્સ બિટવિન યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા એન્ડ ઈન્ડિયા'એ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. ભારત અને અમેરિકા વચ્ચે વાણિજ્યની સંભાવનાઓ વિશે વાત કરી હતી.
આજે આવી સંભાવના વિશે અર્થશાસ્ત્રીઓ ચર્ચા કરે છે, પણ ભારત પરાધીન હતું, એ સમયે આવી વિચારણા અમેરિકાના પ્રબુધ્ધજનો સમક્ષ પ્રસ્તુત કરનાર વીરચંદ ગાંધી વિરલ જ ગણાય. ૧૮૯૩માં અમેરિકાની રિયલ એસ્ટેટ કોંગ્રેસમાં એમણે આપેલા વક્તવ્યની 'ન્યૂયૉર્ક ટાઈમ્સે' પ્રશંસા કરી હતી, પરંતુ સૌરાષ્ટ્રના મહુવાના આ તેજસ્વી અને તરવરીયા યુવાન પર આજથી બરાબર ૧૨૦ વર્ષ પહેલાં છવ્વીસમી સપ્ટેમ્બરે 'શિકાગો ટાઈમ્સે' એક આગવી નોંધ લખી હતી અને એમાં એણે વીરચંદ ગાંધીની તાર્કિકતા અને ગરિમાની પ્રશંસા કરી હતી.
વાત એમ બની હતી કે વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ, એચ. ધર્મપાલ, વીરચંદ ગાંધી, એલ. નરેન અને નરસિંમ્હા ચારી ઈશ્ટ ઈન્ડિયાના પ્રતિનિધિઓ તરીકે ઉપસ્થિત હતા. એ વિશ્વધર્મ પરિષદના ચૌદમા દિવસે લંડનના એક પાદરીએ ભારતીય મહિલાઓ વિશે આકરી ટીકા કરી. આમેય આ વિશ્વધર્મ પરિષદનો હેતુ અન્ય ધર્મીઓ સમક્ષ ખ્રિસ્તી ધર્મનું મહિમાગાન પ્રસ્તુત કરવાનો હતો, પરંતુ સ્વામી વિવેકાનંદની પ્રતિભા અને પ્રવચનોએ એ આખીય બાજીને ફેરવી નાખી અને વીરચંદ ગાંધીના વક્તવ્યોએ એના પર ભારતીયતાની મહોર મારી.
મૂળે લંડનના એવા રેવરેન્ડ જ્યોર્જ એફ પેન્ટાકોસ્ટે ૧૮૯૩ની ૨૫મી સપ્ટેમ્બરે એમના વક્તવ્યમાં એમ કહ્યું કે 'ભારતમાં છસો જેટલી મંદિરની પુજારણો છે, જે વેશ્યા છે.' એથી આગળ વધીને એમણે કહ્યું કે, 'આ ધર્મમાં વેશ્યાઓને પૂજારણ બનાવવામાં આવે છે અને તે પૂજારણ હોય તો પણ વેશ્યાનું કામ કરતી હોય છે.' રેવરેન્ડ જ્યોર્જ એફ. પેન્ટાકોસ્ટેના આ પ્રવચને ચોતરફ ખળભળાટ મચાવી દીધો. આ પરિષદમાં સ્વામી વિવેકાનંદ અને પ્રકાશચંદ્ર મજુમદાર જેવા પ્રતિનિધિઓ આક્રોશ અનુભવી રહ્યા.
સૌરાષ્ટ્રના સિંહ એવા વીરચંદ ગાંધીએ અમેરિકાના શિકાગો શહેરની આર્ટ ઈન્સ્ટિટયૂટના કૉલમ્બસ સભાગૃહમાં ત્રણ હજાર શ્રોતાજનો સમક્ષ પોતાની સાહસિકતા અને હિંમતની સાથોસાથ ઊંડા અભ્યાસની પહેચાન આપી. તેઓએ કહ્યું, 'હું જૈન ધર્મનો પ્રતિનિધિ છું, એની ભલે કોઈએ ટીકા કરી નથી, પરંતુ હું જે ભારતીય સમાજમાંથી આવું છું તેની ટીકા કરી છે. દરેક દેશમાં ધર્મ હોવા છતાં આવાં દૂષણો પ્રવર્તમાન હોય છે, તેનાથી ધર્મને નીચો ન ગણી શકાય.'
એ પછી વીરચંદ ગાંધી ધર્મપ્રચારક પાદરીઓ પર કટાક્ષ કરતાં કહે છે કે 'કેટલાક અતિ મહત્ત્વાકાંક્ષી લોકો પોતાને સેન્ટ પૉલ માને છે અને ધારે છે કે તેઓ ઇચ્છશે તે થશે. આવા પૉલ ભારતના લોકોનું સામૂહિક ધર્માંતરણ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ એ પછી એમનાં સ્વપ્નો વિફળ જતાં તેઓ ભારતથી પાછા આવીને આખી જિંદગી હિંદુ ધર્મની નિંદા કરવામાં ઘસી નાખે છે.'
વીરચંદ ગાંધી અહીં એક માર્મિક અને સચોટ વિચાર આપે છે. તેઓ કહે છે, 'કોઈપણ ધર્મ પર આક્ષેપો કરવા એ દલીલ ગણાય નહીં અને સ્વધર્મની આત્મપ્રશંસા એ સત્યનો પુરાવો મનાય નહીં. પાદરી પેન્ટાકોસ્ટની આવી ટીકા પ્રત્યે મને ખૂબ દયા આવે છે એમ કહીને તેઓ સ્પષ્ટતા કરતાં કહે છે કે દક્ષિણ ભારતનાં કેટલાંક હિંદુ મંદિરોમાં અમુક પ્રસંગોએ સ્ત્રી-ગાયિકાઓને સંગીત માટે નિમંત્રણ આપવામાં આવે છે એ સાચું અને આમાંની કેટલીક શંકાસ્પદ ચારિત્ર્ય ધરાવતી હોય છે. આ બાબત હિંદુ સમાજ જાણે છે અને તેથી આ અનિષ્ટને દૂર કરવા માટે સઘળા પ્રયત્નો પણ કરે છે. આ સ્ત્રીઓને મંદિરના મુખ્ય ભાગમાં પ્રવેશ આપવામાં આવતો નથી અને પૂજારણોની જે વાત કરવામાં આવે છે, તો એમને મારે કહેવું છે કે હિમાલયથી માંડીને કેપ કોમોરિન સુધી ક્યાંય એકે મહિલા પૂજારણ નથી. જો આવા આક્ષેપો પ્રમાણેનો સમાજ હિંદુ ધર્મે સર્જ્યો હોત, તો આ ધર્મે કયા બળે એવા સમાજનું નિર્માણ કર્યું હશે કે જેને માટે ગ્રીક ઈતિહાસવેત્તાએ કહ્યું,
''કોઈ હિંદુને અસત્ય બોલતો જાણ્યો નથી અને કોઈ હિંદુ સ્ત્રી ક્યારેય અપવિત્ર હોય એવું જાણ્યું નથી.'' આટલું કહ્યા પછી વીરચંદ ગાંધીએ પ્રબળ ટંકાર કર્યો ''હિંદુસ્તાનના જેવી ચારિત્રશીલ સ્ત્રીઓ અને વિનમ્ર પુરુષો આજેય બીજે ક્યાં જોવા મળે છે?''
પોતાના વક્તવ્યને યથાર્થ સંદર્ભમાં દર્શાવતા વીરચંદ ગાંધી કહે છે, ''જેઓ ભારતની આવી નિંદા કરે છે, તેમને માટે હું અત્યંત દિલગીરી અનુભવું છું. પણ મારા માટે સાંત્વનારૃપ બાબત એ છે કે એમને મળતી માહિતી છેક ત્રીજા કે ચોથા સ્રોત (ફોર્થ હૅન્ડ ઈન્ફર્મેશન)માંથી મળેલી હોય છે. જે વાસ્તવિક સત્ય કરતાં વહેમો અને માન્યતાઓથી ખચિત હોય છે.''
પર ધર્મની નિંદા કરવાની ટીકાનો સ્પષ્ટ ઉત્તર આપવા સાથે એક પ્રસંગ કહીને વીરચંદ ગાંધીએ ધર્મો-ધર્મો વચ્ચે પરસ્પર થતા આક્ષેપોની વ્યર્થતા બતાવી.
અનેકાન્તદ્રષ્ટિના આરાધક એવા જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ ગાંધી પાસે મતસહિષ્ણુતા, ઉદાર દ્રષ્ટિકોણ અને પરસ્પરને પામવાની ભાવના હોય એ સ્વાભાવિક હતું. જાણે એ ભાવનાનો પડઘો પાડતા હોય તેમ વીરચંદ ગાંધીએ વિશ્વધર્મ પરિષદમાં ધર્મો-ધર્મો વચ્ચે પરસ્પર આદરભાવનાનો અભિગમ રજૂ કર્યો. એમણે એક હૃદયસ્પર્શી દ્રષ્ટાંત આપ્યું. મુસ્લિમ યાત્રાળુઓનું એક જહાજ હજ કરવા માટે મક્કા જતું હતું. રસ્તામાં પોર્ચુગીઝોએ એ વહાણને આંતરીને કબજે કર્યું. વહાણમાં કરેલી લૂંટને પરિણામે મળેલા સરસામાનમાં પવિત્ર કુરાનની કેટલીક પ્રતો હતો, જેની અવમાનના કરવામાં આવી. બન્યું એવું કે પોર્ટુગીઝોએ કબજે કરેલું જહાજ સમ્રાટ અકબરના સૈનિકોએ પકડયું અને એમને એમાંથી બાઈબલની કેટલીક પ્રત મળી. અકબર એની માતાને ચાહતો હતો અને એની માતા ચુસ્ત મુસલમાન હતી. એમણે જ્યારે જાણ્યું કે ખ્રિસ્તીઓના હાથે પવિત્ર ગ્રંથ કુરાનનું અપમાન થયું છે ત્યારે એણે વિચાર્યું કે અકબર બાઈબલ સાથે જ એ રીતે વર્તાવ કરે.
આ સમયે અકબરે કહ્યું, ''માતા, પેલા અજ્ઞાાની લોકો પવિત્ર કુરાનની મહત્તા સમજતા નહોતા. એમણે દાખવેલી વર્તણૂક એ એમની અજ્ઞાાનતાનું કારણ હતી, પણ હું તો કુરાન અને બાઈબલ બંનેની મહત્તાથી પરિચિત છું, આથી હું એ અજ્ઞાાની લોકો જેવો વ્યવહાર કરી શકું નહીં.''
વીરચંદ ગાંધીએ આ માર્મિક દ્રષ્ટાંત દ્વારા સભાગૃહમાં ધર્મોના પરસ્પરના આદરભાવનું એક ઉન્નત વાતાવરણ સર્જી દીધું.
વીરચંદ ગાંધીએ પાદરી પેન્ટાકોસ્ટના આક્ષેપોનો આપેલો જવાબ એ એક ભારતીય વિદ્વાન અને ધર્મ વિચાર કે આપેલો ઉત્તર છે. આક્ષેપો, અપશબ્દો અને પ્રહારોનો પ્રત્યુત્તર કેવી સ્વસ્થતા અને શિષ્ટતાથી આપી શકાય એ વીરચંદ ગાંધીએ દર્શાવ્યું. આથી ૧૮૯૩ની ૨૬મી સપ્ટેમ્બરના 'શિકાગો ટાઈમ્સ' અખબારે વીરચંદ ગાંધીની પ્રશંસા કરતાં લખ્યું, ''આવી મલિન ઈરાદાવાળી ટીકાનો જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ ગાંધીએ તાર્કિક અને ગરિમાપૂર્ણ પ્રત્યુત્તર વાળ્યો.'' આવી નોંધ સાથે આ અખબારે વીરચંદ ગાંધીનું પ્રવચન અક્ષરશઃ પ્રગટ કર્યું.
એ પછીના દિવસે વિશ્વધર્મ પરિષદના પંદરમા દિવસે વીરચંદ ગાંધીએ સરળ, પ્રાસાદિક અને સર્વજનસ્પર્શી રીતે જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતોનો પરિચય આપ્યો.
અમેરિકાના અખબારોએ એમની પ્રતિભા પર પ્રશંસાનાં પુષ્પો વેર્યા અને વિશ્વધર્મ પરિષદના યોજકોએ એમને યશસ્વી કામગીરી માટે રૌપ્યચંદ્રક એનાયત કર્યો.
આ સમયે 'એડિટર્સ બ્યૂરો'એ એના તંત્રીલેખમાં વીરચંદ ગાંધી વિશે એક વિસ્તૃત લેખ લખ્યો અને એ લાંબા લેખના અંતે વીરચંદ ગાંધીની પ્રવચનશૈલી અને અમેરિકામાં સર્વત્ર સાંપડેલા આદરને દર્શાવતાં નોંધે છે,
''જ્યારે તક મળે ત્યારે ભારતના આ વતનીને સાંભળવાની એક તક પણ ગુમાવવી જોઈએ નહીં. અન્ય કોઈ જગાએ જવાને બદલે એમની પાસે સાંજે જશો, તો વધુ જ્ઞાાન અને સત્ય લાધશે. ભારત અને તેની પ્રજા વિશે પ્રવર્તતા અયોગ્ય અને ભૂલભરેલા ખ્યાલો તેઓ સુધારી શકશે. એમનું પ્રવચન પૂર્ણ થયા બાદ પ્રેક્ષકવર્ગમાંથી કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછશે, તો તેઓ તેનો યોગ્ય પ્રત્યુત્તર આપશે. સત્ય અને પવિત્રતાનો ઉપદેશ આપતી આવી ઉમદા અને મહાન વ્યક્તિ એ પ્રમાણે વર્તે છે, એની પ્રશંસા માટે પૂરતા શબ્દો નથી. શ્રી ગાંધીએ આપણા દેશમાં ક્લબ, વિદ્વાનોનાં વિદ્યામંડળ, સાહિત્ય અને ચર્ચ, સોસાયટી, થિયોસૉફિકલ શાખાઓ અને આધ્યાત્મિક પરિષદ સમક્ષ પ્રવચનો આપ્યાં છે. પૌર્વાત્ય યોગવિદ્યા અંગે એમણે વર્ગો પણ ચલાવ્યા છે. તેમનું દરેક જગ્યાએ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે અને ખૂબ જ પ્રશંસા કરવામાં આવે છે.''
* * *
આવતે વર્ષે શરૃ થનારી વીરચંદ ગાંધીની દોઢસોમી જન્મજયંતિ સંદર્ભે વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કેલિફોર્નિયાની ક્લેરમૉન્ટ લિંકન યુનિવર્સિટીમાં 'વીરચંદ રાઘવજી ગાંધી ચેર' સ્થાપવા અંગે 'જૈના' સંસ્થાના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ શાહે રજૂઆત કરી, તો શ્રીમતી સોનિયા ગાંધીએ આ કાર્ય માટે શુભકામના સંદેશ આપ્યો. વીરચંદ ગાંધીના પ્રપૌત્ર શ્રી ચંદ્રેશ ગાંધી તથા વીરચંદ ગાંધી વિશે સંશોધન કરનાર પંકજ હિંગરાજ, મહેશ ગાંધી અને અન્ય સહુ ઉપસ્થિત હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન મહાવીરના અહિંસા, શાંતિ અને જીવો અને જીવવા દોની આજના સમયમાં સૌથી વધુ જરૃર છે. દેશમાં શાંતિ અને ભાઈચારો હોય, તો જ એના વિકાસનો સંભવ છે. બિનસાંપ્રદાયિકતા એટલે ધર્મવિહીનતા નહીં, કિંતુ આધ્યાત્મિકતા છે. આજે પણ ભગવાન મહાવીરના સિદ્ધાંતો વર્તમાન સમયમાં પણ એટલા જ ઉપયોગી છે.
જ્યારે 'અહિંસા વિશ્વ ભારતી'ના સ્થાપક અને ચૅરમેનશ્રી લોકેશ મુનિજીએ આ શુભકાર્યનો પ્રારંભ કરવા માટેની ભૂમિકા આપી હતી તેમજ વિવિધ કાર્યક્રમોની રૃપરેખા આપી હતી. જ્યારે કુમારપાળ દેસાઈએ આ વિશે કરેલા સંશોધનની વિસ્તૃત રજૂઆત કરતાં કહ્યું હતું કે ૨૯ વર્ષના યુવાન વીરચંદ ગાંધીએ અમેરિકા અને ઇંગ્લૅન્ડના એમના પ્રવાસ સમયે કહ્યું કે આજે ભલે મારો દેશ પરાધીન હોય, પણ એ આઝાદ થશે એટલું જ નહીં પણ એ અહિંસાના માર્ગે આઝાદી પ્રાપ્ત કરશે.
વળી વીરચંદ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે આઝાદી મળ્યા પછી મારો દેશ બીજા દેશો સાથે શાંતિમય સહઅસ્તિત્વથી રહેશે. વીરચંદ ગાંધીએ ભારતીય સંસ્કાર, જીવનશૈલી અને ભારતીય ઈતિહાસનું ગૌરવભેર વિદેશમાં બયાન કર્યું.
 ઇંગ્લેન્ડમાં બે અને અમેરિકામાં ત્રણ સંસ્થાઓની સ્થાપના કરી. માત્ર જૈન દર્શન જ નહીં, કિંતુ સાંખ્ય, યોગ, વૈશેષિક અને બૌદ્ધદર્શન વિશે પ્રભાવશાળી રીતે વક્તવ્યો આપ્યાં. એ સમયે ભારતીય યુવતીઓ અમેરિકામાં અભ્યાસ કરે તે માટે શિષ્યવૃત્તિનો પ્રારંભ કર્યો એની સાથે ભારતમાં દુષ્કાળ હોવાથી જહાજ દ્વારા અમેરિકાથી ચાલીસ ટન અનાજ મોકલવાની વ્યવસ્થા કરી.
આ જ વીરચંદ ગાંધીએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના સર્વપ્રથમ અધિવેશનમાં મુંબઈ પ્રતિનિધિ તરીકે પણ કામગીરી બજાવી હતી. અમેરિકાની ધરતી પર ભારતની રાજકીય સ્થિતિ, અર્થકારણ અને સામાજિક પરિસ્થિતિ વિશે માર્મિક વિચારો પ્રગટ કર્યા અને સાથોસાથ યોગ વિદ્યા, આહારવિજ્ઞાાન, એકાગ્રતા, ભારતીય સંગીત અને ધ્યાન પ્રણાલીની વાત કરી, આટલું વિષય વૈવિધ્ય અને પ્રભાવક રજૂઆત અન્યત્ર ક્યાંય મળતી નથી.
આવા સંસ્કૃતિપુરુષનું સ્મરણ થાય, એવી ભાવના સાથે સહુએ નૂતન પરોઢનો પ્રારંભ અનુભવ્યો.

No comments: